દુનિયા
રંગબિરંગી
1 - સ્વયંવર
નમસ્કાર મિત્રો, હું વિપુલ ઠક્કર તમને મળી રહ્યો
છુ, આજના સમયમાં. દર રવિવારે એક નવી
હાસ્યકથાથી તમને રીઝવવાનો પ્રયત્ન કરીશ. હું ૯ નંબર આનંદ નગર સોસાયટીમાં રહું છુ.
ધીરે ધીરે તમે મારી આજુબાજુ રહેતા પડોશીઓ,
મિત્રો, નમૂનાઓને ઓળખાતા જશો.
એક દિવસ રાત્રે એક કોમેડી પ્રોગ્રામમાં કોમેડિયન ની ફોઈના લગ્ન માણી રહ્યો
હતો. ટી.વી.માં લગ્ન માણવાનું બહુ સારું. આવવા જવાનો ટાઈમ બચે. ચાંલ્લાનો ખર્ચો
નહિ. બાકી હવે આજકાલ લગ્નોમાં જમે છે કોણ ? ૪૦–૫૦ આઇટમ માંથી બે ચાર ચાખીને ચલાવી
લઈએ છીએ. કોમેડિયનની પત્નીએ સુંદર મઝાની ચોળી પહેરેલી હતી. અચાનક મારી નજર બારણા
તરફ ગયી. મને થયું કે અંદર દેખાતી હિરોઈન ટીવીમાંથી બહાર નીકળીને મારા ઘરના ઉંબરે
શું કરે છે. “ કાકા હું કેવી લાગુ છુ ?” મેં ઘડીક ગુજરાતી બોલતી, તો ઘડીક ટીવીમાં
દેખાતી હિરોઈન તરફ નજર કરી. ફરીવાર એ જયારે બોલી કાકા હું કેવી લાગુ છુ ત્યારે મને
ખ્યાલ આવ્યો કે આતો પાડોશી પુત્રી આશ્કા છે.
અમારી
બાજુમાં ૧૦ નંબરમાં રહેતા હર્ષિત ભાઈ અને શીતલ બેનની દિકરી એટલે આશ્કા. એકદમ ટોમ
બોય જેવી. કોલેજના પહેલા વર્ષમાં ભણે છે. ભણવામાં બહુજ હોશિયાર. કોઈનાથીએ ડરે નહિ.
કોઈ કામમાં બીક નહિ. આત્મા વિશ્વાસથી છલોછલ. “અરે બેટા તુ?” મારા આશ્ચર્યનો ઉભરો છુપાવવાનો નિષ્ફળ
પ્રયત્ન કરતા મેં કહ્યું. પણ છોકરીની સમજમાં એ આવી ગયું હતું કે હું એને જોઈને હબક
ખાઈ ગયો છુ. “ કાકા હું કેટરીના કરતા પણ વધારે સુંદર લાગુ છુ
ને?” એ છોકરી ખરેખર સુંદર લાગતી
હતી, ગુલાબી અને બ્લેક કલરનો ગોલ્ડન ભરતકામ કરેલો ચણીયો. ગુલાબી ને બ્લેક કલરનો
એકદમ ડીઝાઇનર બ્લાઉઝ. ભારે જરીકામ કરેલી તેની ઓઢણી. અને કપડા સાથે મેચ થાય તેવી
જ્વેલરી. જાણે લગ્નમાં કોઈ વધુ તૈયાર થઇ હોય એવી લાગતી હતી છોકરી. અંદરથી કામ
પરવારીને પત્નીએ પ્રવેશ કર્યો. એ પણ એક સેકંડ માટે ટીવીની બહાર આવીને ઉભી રહી
ગયેલી હિરોઈન ને જોઈ ને આશ્ચર્યમાં ગરવાક થઇ ગયા. જોકે એમને બીજી જ સેકન્ડે સમજાઈ
ગયું કે આ આશ્કા છે. “ અરે આ શું વેશ કાઢ્યા છે?” સોફા ગોઠવાતા પત્નીએ પ્રશ્ન કર્યો ?
“ કાકી એમ કહોને પહેલા
હું સુંદર લાગુ છુ ને?” અરે બેટા તુ તો નજર લાગી જાય એટલી સુંદર
લાગે છે. પણ આજે સુરજ કઈ દિશામાં ઉગ્યો એ ના ખબર પડી. પાડોશી પુત્રી આશ્કા હંમેશા
શોર્ટ્સ અને ટીશર્ટ જેવા જ કપડા પહેરે છે. એને કોઈ દિવસ સલવાર કમીઝ નહિ પહેર્યું
હોય એટલે અચાનક એ ટ્રેડીશનલમાં પ્રગટ થાય એ કોઈનાય માટે આઘાતજનક વાત હતી. “ બસ કાકી થોડાક જ સમયમાં આ કલર્સ ચેનલ
વાળા મારો સ્વયંવર ચાલુ કરવાના છે. બધી વાત લગભગ ફાઈનલ જ છે. આ વખતની નવી સીઝન
મારી સાથે ચાલુ થશે. આશ્કા કા સ્વયંવર.” પણ બેટા મે તો સાંભળ્યું હતું કે મલ્લિકા
શેરાવતને લઈને આ લોકો હવે પછીની સીઝન શરુ કરવાના છે. “ શું કાકા તમે પણ જોક મારો છો. સાડી
પહેરેલી મલ્લિકાને કોણ જોશે? એવો એ ચેનલ વાળાને પણ વિચાર આવ્યો એટલે એમને મને
સિલેક્ટ કરી. “ચેનલવાળાએ તને હા પડી દીધી?” પત્નીએ ઉત્સાહથી સવાલ કર્યો. “અરે મને ના પાડવાની તેમની હિમંતજ ક્યાં
છે.” સામેના સોફા ઉપર બેસતા આશ્કા બોલી. “ તમેજ હમણાં કહ્યુંને કે હું નજર લાગે
એટલી સુંદર લાગુ છુ, તો પછી. અરે મને જોઈને એને ક્રિયેટિવ હેડે તો ત્યાં સુધી
કહ્યું કે આ શો નંબર વન થવાનો છે. “ પણ બેટા આ ચેનલ વાળાની તારે ઓળખાણ કેવી
રીતે થઇ?” મને હજી આ છોકરીની વાતમાં વિશ્વાસ નહોતો બેસતો. “ મારો એક ફ્રેન્ડ છે બંટી બકબક.” “બંટી બકબક, આ એની સરનેમ છે?” “ ના કાકા એ બહુ બોલે છે ને એટલે અમે એનું
નામ બંટી બકબક કરી નાખ્યું છે.આખો દિવસ બકબક. સવારથી સાંજ સુધી બકબક કરતો હોય છે.
તમને ખબર છે એ સવારે કોલેજ આવે ને....” “ બેટા તુ ચેનલ વાળાને ઓળખે કેવી રીતે એ
વાત કરતા હતા.” મેં એને સમયસર ના અટકાવી હોત તો એ આખી રાત બંટી બક્બકની બકબક
સંભળાવ્યા કરત. “ હા એ બંટી બકબક છે ને એનો એક કઝીન કલર્સ ચેનલમાં છે. આપણે એની
ઓળખાણથી ત્યાં ઘૂસ મારી અને કરી નાખ્યું ફાઈનલ. બસ હવે તમે જુઓ એક સરસ મઝાનો ટોલ,
ડાર્ક, હેન્ડસમ, પૈસાદાર, સમજુ અને સારી સેન્સ ઓફ હ્યુમર ધરાવતો હોય એવો એક છોકરો
મને મળી જશે.” “ બેટા આપણા ધર્મમાં એકજ વાર
લગ્ન કરવાની છુટ છે.” “ એટલે ?” એ મારો વ્યંગ સમજી નહિ. હવે એને કેવી
રીતે સમજાવવું કે આટલી બધી વસ્તુઓ એકજ છોકરામાં ના મળે. અને મળે તો ટકે નહિ. અને
જો ટકે તો લગ્ન જીવન ટકે કે નહિ એનો કોઈ ભરોશો નહિ. કારણકે એટલી બધી ખૂબીઓ વાળા
છોકરાઓની ભારે ડીમાન્ડ હોયછે લગ્નની માર્કેટમાં, અને લગ્નેતર માર્કેટમાં પણ. અને
આટલી બધી ખૂબીઓ ધરાવતો છોકરો લપસે નહિ એની પણ કોઈ ગેરેંટી નહિ. સામાન્ય રીતે ઓછી આવડત
વાળા છોકરા-છોકરીઓના લગ્ન જીવન કોઈ પણ વિઘ્ન વગર ટકી જતા હોય છે. પણ જરાક તરાક
સ્માર્ટ છોકરા છોકરીના લગ્ન ક્યારેક ડખે ચડી જતા હોય છે. હર હંમેશ આવું થવું જરૂરી
નથી. પણ ભાઈ આતો કિસ્મતના ખેલ છે. આશ્કાનો બત્રીશ લક્ષણો જો ખરેખર બત્રીશ લક્ષણ
ધરાવતો હોય તો આ કળીયુગમાં એ લફરેતર ના હોય એવું વિચારવું ભારે આશાવાદીનું કામ છે.
“ બેટા આવો સ્વયંવર યોજવાની મંજૂરી તારા
મમ્મી-પપ્પાએ તને આપી દીધી?” ચુન્નીની અંદર લાગેલા કાચમાં પોતાનો
ચહેરો નીરખી રહેલી આશ્કાને મેં પૂછ્યું. “ કાકા એ લોકોને હજી પૂછ્યું જ નથી. ખબર છે
એ લોકો ના જ પડવાના છે.”
“ આશ્કા તુ અહિયા ભાગીને આવી છે?” અચાનક બારણામાં થી દાદીસા જેવો ચહેરો
પ્રગટ થયો. અને તેમણે કેટરીના બનેલી
આશ્કાને મોટા અવાજે પ્રશ્ન કર્યો. “ આશ્કા તને ના પડી હતીને, તુ આ ચણીયા ચોલી
ના પહેર, કેમ પહેરીને નીકળી પડી?” દાદીસાનું રૌધ્ર સ્વરૂપ જોઈને ચણીયા
ચોલીમાં સજ્જ આશ્કા ધીર રહીને બહારની તરફ સરકી ગયી. એ ગઈ એટલે દાદીસા અમારી તરફ
ફરી “ કાલે મારા છોકરાની છોકરીની
સગાઇ છે, એ છોકરી આને એના ચણીયા ચોલી બતાવતી હતી તો આ કહે લાવ હું પહેરીને બતાવું.
અને પછી નીકળી પડી સોસાયટીમાં બધે ફરવા. એક નંબરની ધમાલિયણ છોકરી છે. બબડતા બબડતા
દાદીસાએ વિદાય લીધી.
“ આ કોણ?” મેં પત્નીને પ્રશ્ન કર્યો ? “ આપણી સોસાયટીમાં એકાદ મહિનાથી રહેવા
આવ્યા છે. કમળા માસી એમનું નામ છે. એમના દીકરાની દિકરી આશ્કા જેટલીજ છે. કાલે એની
દીકરીની સગાઇ છે.” મને વાતની ગડ બેસી ગયી. “ અચ્છા એટલે હમણાં પેલી ચિબાવલી આપણને
ફેબ્રુઆરી મહિનામાં એપ્રિલફૂલ બનાવી ગયી. સ્વયંવરનું નાટક કરીને આપણી બુદ્ધિનું
વસ્ત્રાહરણ કરી ગયી. એના લગ્ન થશે અને પછી સુહાગરાતના દિવસે ફિલ્મી સ્ટાઈલ મુજબ
એનો ભાવી ભરથાર આનો ઘૂંઘટ ઉચકે અને આ દોઢી એના કાનમાં ધીરેથી એવું બબડે કે
એપ્રિલફૂલ તો નવાઈ નહિ.
No comments:
Post a Comment